Wednesday, 3 July 2013

નીચલી અદાલતોમાં ભરતી રદ કરવાની અપીલો હાઇકોર્ટે ફગાવી July 4 2013

Sandesh અમદાવાદ,તા.૩
ગુજરાતની નીચલી કોર્ટોમાં નીતિનિયમો વિના ખુદ ગુજરાત હાઇકોર્ટની વહીવટી પાંખ દ્વારા હાથ ધરાયેલી બે હજારથી વધુ કર્મચારીઓની ભરતીને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા હાઇકોર્ટ સમક્ષ થયેલી જુદી જુદી લેટર્સ પેટન્ટ અપીલો આજે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચુકાદા મારફતે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરી નીચલી કોર્ટની ભરતીને માન્ય રાખતાં સીંગલ જજના હુકમને બહાલ રાખ્યો હતો.
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ સહિત રાજ્યની વિવિધ નીચલી કોર્ટોમાં એડહોક ફરજ બજાવતાં આસીસ્ટન્ટ કલાર્ક સહિતના કર્મચારીઓ દ્વારા કરાયેલી અપીલમાં રજૂઆત કરાઇ હતી કે, ગુજરાત હાઇકોર્ટની એડમિનિસ્ટ્રેટીવ પાંખ દ્વારા આસિસ્ટન્ટ-જુનિયર કલાર્ક, સ્ટેનોગ્રાફર, પ્યુન સહિતની આશરે બે હજારથી વધુ કર્મચારીઓની ભરતી હાથ ધરવામાં આવી હતી. આ નવી ભરતીના ઓઠા હેઠળ તાજા ઉમેદવારોને રેગ્યુલર બેઝીઝ પર નિમણૂક આપી હાલ નોકરી કરતા અરજદાર કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટીની તજવીજ હાથ ધરાઇ છે. જે ગેરકાયદે, અયોગ્ય અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું પગલું ગણાય.
અરજદારપક્ષ દ્વારા હાઇકોર્ટ તેમ જ સુપ્રીમકોર્ટના કેટલાક મહત્ત્વના ચુકાદાઓ ટાંકી જણાવાયું હતું કે, હાઇકોર્ટ દ્વારા કરાયેલી ઉપરોકત ભરતી ગેરકાયદે ઠરે છે કારણ કે, તે કોઇપણ પ્રકારના નીતિ-નિયમો હેઠળ કરાઇ નથી પણ હાઇકોર્ટે તેની રીતે સેન્ટ્રલાઇઝ સિલેકશન પ્રોસેસ હેઠળ આ ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. હાઇકોર્ટને નીતિ-નિયમ બનાવવાની સત્તા નથી. આ સત્તા રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે.
તાબાની કોર્ટોના સ્ટાફની નિમણૂકની વડી અદાલતને સત્તા : હાઇકોર્ટ
હાઇકોર્ટે ચુકાદામાં સ્પષ્ટપણે ઠરાવ્યું કે, હાઇકોર્ટને તેની તાબાની એટલે કે, નીચલી કોર્ટોમાં સ્ટાફની નિમણૂંકની પ્રોસીજર નક્કી કરવાની પૂરેપૂરી સત્તા છે. વળી, દરેક બાબતમાં રાજય સરકાર પાસે દોડી જવાની જરૂર હોતી નથી. વળી, બંધારણની કલમ-૨૩૫ના વ્યાપમાં તાબાની કોર્ટોના કર્મચારીઓની નિમણૂંકની બાબત સમાવિષ્ટ થઇ જાય છે. આ સંજોગોમાં હાઇકોર્ટની વહીવટીપાંખ દ્વારા રાજયની નીચલી અદાલતોમાં કરાયેલી ભરતી બિલકુલ વાજબી અને કાયદેસર ઠરે છે અને તેથી તમામ અપીલો ફગાવી દેવામાં આવે છે.
હાઇકોર્ટ તરફથી શું બચાવ રજૂ કરાયો?
હાઇકોર્ટ તરફથી એવો બચાવ રજૂ કરાયો કે, હાઇકોર્ટને સેન્ટ્રલાઇઝ સિલેકશન પ્રોસેસ હેઠળ આ પ્રકારે ભરતી કરવાની સત્તા છે અને તેથી હાઇકોર્ટે જે ભરતી કરી છે તે બિલકુલ કાયદેસર અને વાજબી ઠરે છે.
news by Sandesh gujarati news paper